હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર ગુજરાત પહોંચ્યું છે. તેથી દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન એવો વરસાદ પડશે, જે 65% વિસ્તારને આવરી લેશે. જેમાં દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદ વચ્ચે નર્મદા ડેમના દરવાજા ખોલાયા
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે નર્મદા ડેમની જળ સપાટી 134.73 મીટરે પહોંચી છે. ડેમમાં પાણીની આવક વધીને 3,80,275 ક્યુસેક થઈ છે. તેથી ડેમના 15 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે. દરમિયાન દરવાજા દ્વારા 2 લાખ ક્યુસેક અને પાવર હાઉસ વડે 45,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. હાલ નર્મદા નદીમાં 2,45,000 ક્યુસેક પાણી છોડાયું છે. નદી બે કાંઠે વહેતા કાંઠાવાળા વિસ્તારો એલર્ટ છે.
છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં વરસાદી રાઉન્ડ દરમિયાન છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ ભરૂચના વાલિયામાં 12 ઈંચ, સોનગઢમાં 10, વ્યારામાં 9, માંગરોળમાં 8, વઘઈમાં 8, ભરૂચમાં 7.5, તિલકવાડામાં 7, ઉચ્છલમાં 7, ડોલવણમાં 6.8, નડિયાદમાં 6.8, સુબિરમાં 6.6 અને 15 તાલુકામાં 4 ઈંચથી વધુ, 20 તાલુકામાં 3 ઈંચથી વધુ, 39 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 44 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
વરસાદને લઈ રાજ્યની અપડેટ
મહીસાગરના વીરપુર તાલુકામાં ભારે વરસાદના કારણે લાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. આ નદીમાં નવા નીર આવ્યા છે. તેથી દરગાહ તરફ જવાનો રસ્તો બંધ છે.ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ઝાડેશ્વરથી ભરૂચને જોડતો મુખ્ય રસ્તો પાણીથી ભરાયો છે.અરવલ્લીના મોડાસા તાલુકાના મડાસણાકંપા અને ધોલિયાકંપામાં ભારે વરસાદમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. જેને લઈ ખેડૂતોએ ખેતરોમાં સર્વે કરી યોગ્ય વળતર ચુકવવા માગ કરી છે.
આ પણ જુઓ : 7/12 8અ ગુજરાત ONLINE : ANYROR GUJARAT 2024 7/12, 8A ઓનલાઈન, શહેરી/ગ્રામ્ય જમીન રેકોર્ડ જુઓ
નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા, અનેક ગામો એલર્ટ
નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 134.73 મીટર પર પહોંચી છે. જેથી નર્મદા ડેમના 15 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાવર હાઉસ મારફતે 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડ્યુ છે અને સાવચેતીના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 17 ઈંચ વરસાદ પડ્યો છે.
5 સિસ્ટમથી ઘેરાયું ગુજરાત, 14 જિલ્લામાં સંકટના એંધાણ
આ વખતે ભાદરવો પણ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. હાલ પાંચ સિસ્ટમથી ગુજરાત ઘેરાઈ ગયું છે જેના કારણે 14 જિલ્લાઓમાં એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં ફરી ડિપ્રેશન સર્જાયું છે. આ ડિપ્રેશન ધીમેધીમે હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, ગત રાત્રે ભરુચમાં માત્ર 14 કલાકમાં 12 ઈંચ વરસતા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા.