ભારે વરસાદને કારણે બનાસકાંઠામાં જળબંબાકાર
પાલનપુર શહેરમાં આવેલી બ્રિજેશ્વર કોલોની ટાપુ બની ગયા છે. આ સાથે જાહેર માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત 10 થી વધુ ગામોને જોડતો માર્ગ થતા સંપર્ક વિહોણા બન્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા વાવેલા પાકને નુકસાન થવાનું જોખમ ઉભું થયું છે.
બનાસકાંઠામાં ભારે વરસાદ, વડગામમાં 8.60 ઇંચ
બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વડગામમાં 4 કલાકમાં 8.60 ઇંચ અને દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. પાલનપુર સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, જ્યાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા. ગામડાઓમાં કમર સુધીના પાણી ભરાયા છે, અને ધાનેરા, પાંથાવાડામાં પણ ભારે પવન સાથે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
નદીમાં ભારે ઘોડાપૂર, ગામોને એલર્ટ કરાયા
ધોધમાર વરસાદને કારણે ખેડબ્રહ્મા તાલુકામાં હરણાવ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. હરણાવ નદી ભય જનક સપાટીથી વહી રહી હોવાથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. સાબરકાંઠા ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે રોડ પર પાણી ભરાયા છે. સાબરકાંઠાના વડાલીમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડબ્રહ્મા પંથકમાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકયો છે. પાલનપુરમાં છ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે.

બે જિલ્લામાં ભારે વરસાદે સર્જી તારાજી રાજ્યમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે
મહેસાણા અને બનાસકાંઠામાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. જે કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સાથે નદી-નાળા અને ડેમોમાં પાણીની આવક થતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ડીસામાં અને વિસ્તારોમાં ઘુંટણ સુધી પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે.
બ્રેકિંગ: અહીં પ્રાથમિક શાળાઓમાં રજા અપાઈ
બનાસકાંઠાના 5 તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં રજા આપવામાં આવી છે. બનાસકાંઠાના કલેકટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ કે, બનાસકાંઠામાં મેઘરાજા બરાબરની બેટિંગ કરી રહ્યા છે. બનાસકાંઠામાં હજી પણ ભારે વરસાદની સંભાવના છે. આને જોતા આજે પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા અને ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવામાં આવી છે.
24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના વડગામમાં 8.60, વિજાપુરમાં 6.30, પાલનપુરમાં 6.1, દાંતીવાડામાં 6, વાલોદમાં 5.63, ઉમરપાડામાં 5.31, ખેડબ્રહ્મામાં 5, મહુવામાં 4.37, વડાલીમાં 4.30, સુબિરમ 4.25, વ્યારામાં 3.35, ડોલવણમાં 3.31, હિંમતનગરમાં 3.1, કઠલાલમાં 3.10, કપડવંજમાં 3.1, બારડોલી અને મહુવામાં 2.80 ઈંચ વરસાદ નોંધાયો છે.

મહેસાણામાં ભારે વરસાદ: વિજાપુરમાં 6.5 ઇંચ
મહેસાણા જિલ્લામાં મોડી રાતથી મુશળધાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. વિજાપુરમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ખેરાલુમાં 1.5 ઇંચ અને કડીમાં 1.75 ઇંચ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે, અને ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું છે. નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન નિષ્ફળ ગયો છે.