અમદાવાદ, 27 જુલાઈ: રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી માટે તૈયાર છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આજે અને આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના નર્મદા, નવસારી, વલસાડ અને દમણ જેવા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 5 દિવસ માટે દરિયાઈ વિસ્તારમાં ચેતવણી સાથે માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ અપાઈ છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો, બનાસકાંઠા અને રાજકોટ જેવા જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.
તેમના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ હવે મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહી છે અને ગુજરાત તરફ પણ અસર છોડશે. આ સિસ્ટમના કારણે ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યમાં સારો વરસાદ જોવા મળી શકે છે.