અમદાવાદમાં કડાકા-ભડાકા સાથે વરસાદ
અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદની જોરદાર બેટીંગ ચાલું છે. અડધું શહેર હજુ તો ઉંઘમાં છે ત્યાં ભારે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે. શહેરના કેટલાય વિસ્તારોમાં અત્યારે જોરદાર વરસાદ પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાવા લાગ્યા છે. ઉપરાંત વરસાદનું રુપ જોતા એવું લાગી રહ્યું છે કે આજે અમદાવાદનો વારો પડવાનો છે. ખૂબ જ તીવ્રતા સાથે વીજળી અને વરસાદ ગાજી રહ્યો છે. લોકો ડરી જાય તેવા કડાકા થઇ રહ્યા છે.
અમદાવાદમાં સવાર જ નથી પડી!
અમદાવાદના આકાશમાં અત્યારે કાળા ડિબાંગ વાદળો છે. જેના કારણે સવારે પણ રાત જેવું જ અંધારુ છવાયેલું છે. જેથી એવું લાગી રહ્યું છે કે અમદાવાદમાં આજે સવાર પડી જ નથી. તો બીજી તરફ કડાકા ભડાકા સાથેનો વરસાદ પણ શરુ છે. ઉલ્લેખનીય છે કે આગાહી પ્રમાણે જ અમદાવાદ સહિત આખા રાજ્યમાં ચોમાસુ પત્યા બાદ પણ વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે.
ખેતરોમાં પાણી ભરાતા પાકને વ્યાપક નુકસાન
રાજ્યમાં પાછોતરા વરસાદને કારણે ખેતીનો ભારે નુકશાન થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત રીતે જુદા જુદા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. કલ્યાણપુર તાલુકામાં સવા બે ઈંચ અને ખંભાળિયા તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસી જવા પામ્યો છે. ખેતરો જાણે નદી બની ગયા હતા. છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી માવઠાથી વ્યાપક હાલાકી વચ્ચે ખેડૂતોને નુકસાની થઈ રહી છે.
આસોમાં વરસાદી આફત યથાવત, ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યાં
રાજયમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ચિંતા જોવા મળી રહી છે. આજે જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદી કહેર જોવા મળી રહ્યો છે.