જીરૂના ભાવ ₹3600થી ₹4000ની વચ્ચે સ્થિર, નિકાસની માંગ નબળી : અજય ગોયલ
ઉંઝા : જીરૂના બજાર ભાવ હાલના સમયમાં ₹3600થી ₹4000ના રેન્જમાં અથડાતા જોવા મળી રહ્યાં છે. આજ સુધીમાં હાલની સિઝનમાંથી અંદાજે 60 ટકા જેટલો ક્રોપ બજારમાં આવી ચૂક્યો છે. બજારમાં હાલ ભાવ વધુ ઘટે તેવા સંજોગો નથી, પણ મોટો તેજીનો ટ્રેન્ડ પણ હમણાં દેખાતો નથી.
ઉદ્યોગ નિષ્ણાત અજય ગોયલ જણાવે છે કે, ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નોર્થ ઈસ્ટના દેશોમાં પણ જીરૂની માંગ ઘણાં હદે ઘટી ગઈ છે. ખાસ કરીને ચીનમાં આ વર્ષે જીરૂનો પોતાનો જ 15 થી 20 લાખ બોરીનો ક્રોપ થયો હોવાનું અનુમાન છે, જેથી નિકાસમાં ખાસ કોઈ મોટો વ્યવહાર જોવા મળતો નથી.
જીરૂની હાજર બજારમાં આવક 7,000 થી 8,000 બોરી વચ્ચે નિયમિત ચાલી રહી છે. જો ભાવ ₹4000ના ઉપર જાય તો થોડીક આવકમાં વધારો થઈ શકે છે. બીજી તરફ, ઉંઝા માર્કેટમાં હજુ પણ લગભગ 20 ટકા જેટલો સ્ટોક ઉપલબ્ધ છે. એફઈડીના એક્સચેન્જમાં પણ જથ્થો પડ્યો છે પણ નીચા ભાવ હોવાના કારણે વેપારીઓએ માલ ઉપાડવાનો રસ બતાવ્યો નથી.
આ પણ જુઓ : અજમાના ભાવ આજના | અજમાનાં સારા માલમાં થોડો સુધારો ખેડૂત માલ ની આવક ઘટી
સ્થાનિક બજારમાં પણ સ્પોટ ડિમાન્ડ મજબૂત નથી, જેના કારણે હાજર ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. જૂના સ્ટોકના માલના કારણે ભાવ વધવાનું પૂરતું સમર્થન મળતું નથી.
નવું વાવેતર પણ એક મુદ્દો છે. રાજસ્થાનમાં સરસવ અને ચણાના ભાવ વધુ હોવાથી જીરૂના વાવેતર ઓછું રહે તેવી શક્યતા છે. ગુજરાતમાં હાલ વરસાદની સ્થિતિ તેમજ ખેડૂતોની રુચિને જોતા વર્તમાન સમયમાં સ્પષ્ટ અનુમાન લાગુ કરવું મુશ્કેલ છે.
અંતમાં, તાજેતરના તમામ પરિપ્રેક્ષ્યને જોતા જીરૂના ભાવ ટૂંકાગાળે ₹3600 થી ₹4000ની વચ્ચે રહે તેવી શક્યતા છે. મોટી નિકાસ માંગ ન હોવાથી ભાવમાં તેજીનો સ્પષ્ટ સંકેત હાલમાં ઉપલબ્ધ નથી.
